ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન ખેડવા બાબતે હાલ અમદાવાદ ખાતે રહેતા અને મુળ વ્રજપર ગામના સાત શખ્સોએ એકસંપ થઈ મારમાર્યાની તેમજ રોકડ રકમ અને દાગીનાની લુંટ અંગે ભોગ બનનારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વ્રજપર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ખેંગારભાઈ કરમણભાઈ જાદવ (ભરવાડ)ની વ્રજપર ગામની ઈસાકડી નામથી ઓળખાતી સીમમાં તેમની વાડીએ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન પીરવાળી ધાર પાસે આવેલ ગૌચરની જમીન પાસે મુળ વ્રજપર ગામના અને હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા બે અલગ-અલગ કારમાં આવી એકસંપ થઈ ગૌચરની જમીન ખેડતા હતા આથી ફરિયાદીના ભાઈ ગોપાઈભાઈએ જમીન ગૌચરની હોવાથી નહિં ખેડવાનું જણાવતા તમામ શખ્સો ગાળાગાળી કરવા લાગ્યા હતા .આથી ગાળો બોલવાની ના પાડતા એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી તમામ સાત શખ્સોએ ફરિયાદીને લાકડાના ધોકા, લોખંડના ધારીયા વડે માર માર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈને પણ ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.