કાલોલ નગર અને તાલુકાના બધા જ ગામોમાં શાસ્ત્રોક્ત વિધિ - વિધાનોથી હોળી દહન કરવામાં આવ્યું હતું. હોળી પ્રાગટયને લઈ તમામ સ્થળોએ પરંપરાગત પ્રનાલીઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. પરંપરા અનુસાર મહાકાળી ધામ પાવાગઢમાં હોળી પ્રાગટ્ય બાદ જ દરેક ઠેકાણે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ભાવિકો વૈદિક રીતી રિવાજોને અનુસર્યા હતા અને હોળીની પ્રદક્ષિણાઓ સાથે શ્રીફળ, ધાણી, ચણા, સમેત નવા ધન્યોની મહિમાસભર આહુતિઓ આપી હતી. અનેક ઠેકાણે હોલિકા દહન બાદ તુર્તજ રંગોત્સવની ઉજવણીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
હોળીના પછીના દિવસે ધુળેટીનો તહેવાર પણ રંગેચંગે ઉજવાયો હતો. વહેલી સવારથી જ ખેલૈયાઓ રંગોત્સવની ઉજવણીઓમાં મસ્ત બન્યા હતા. સૌ કોઈએ પોતાના પરિજનો, નિકટના સ્નેહીઓ અને મિત્રવર્તુળને અબીલ - ગુલાલ, કાચા - પાકા રંગોએ હેતથી વધાવી સ્નેહ સંભારણા કાયમ કર્યા હતા.રંગોત્સવના તહેવાર અનુસંધાને નગરનું વેપારી બજાર ખુશહાલ રહ્યું હતું. ધાણી - ચણા તેમજ હોળી આયડા અને રંગો સાથે પિચકારીના વેપારમાં તેજી જોવા મળી હતી. ચાલુ વર્ષે માર્કેટમાં નવી આવેલી વિવિધ ડિઝાઇનની પિચકારીઓએ બાળ ખેલૈયાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. અલબત્ત, નગરની ઉજવણીઓ મધ્યે ભપકાદાર અંગ્રેજી રંગો સામે સ્વાસ્થ્ય વર્ધક કેશુડીઓ રંગ વિસારાયો હતો. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં અનુરું મહત્વ ધરાવતો આ ઉત્સવ સમસ્ત વૈષ્ણવ ઉત્સાહભેર ઉજવ્યો હતા. વસંત પંચમીની લઈ પાછલા 41 દિવસો સુધી કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા વલ્લભકુળની પ્રેરક ઉપસ્થિતીઓમાં અનેકો વખત ફૂલફાગ મનોરથો અને હોળી રસીયા કિર્તનોના આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક સમેત આસપાસના વૈષ્ણવોએ મોટી સંખ્યામાં હાજર રહી વલ્લભકુળના વચનામૃત શ્રવણ સાથે આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.આ તબક્કે ગોપીભાવથી આરૂઢ વૈષ્ણવોએ વલ્લભકુળ પરીવારને ગુલાબ પર્ણોથી હોળી ખેલાવતા વ્રજભૂમિ જેવા દાર્શનિક માહોલના લૌકિક સર્જનો થયા હતા.