ડીસા તાલુકાના જુના નેસડા ગામે એક જ પરિવારના 12 સભ્યોને ફુલ પોઈઝનિંગની અસર થતા તબિયત લથડી હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાત્રે સારવાર લીધા બાદ આજે ફરી તબિયત બગડતા તમામ લોકોને ત્રણ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ડીસા તાલુકાના જુના નેસડા ગામે રહેતા દરબાર પરિવારના લોકોને પકોડી ખાધા બાદ ફુડ પોઈઝનીંગ થયું છે. જેમાં ગઈકાલે દરબાર પરિવારના કેટલાક લોકો ભીલડી ગામે બજારમાં ખરીદી માટે આવ્યા હતા અને એક લારી પરથી પકોડીની ખરીદી કરી ઘરે લઈ ગયા હતા. ઘરે તમામ લોકોએ સાથે મળી પકોડી ખાધા બાદ રાબેતા મુજબ સુઈ ગયા હતા.
મોડી રાત્રે અચાનક ફૂડ પોઇઝનિંગની અસર થતા 12 જેટલા લોકોને રાત્રે 3 વાગ્યા આસપાસ ભીલડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબિયત સુધરતાં તમામ લોકો ઘર પરત ગયા હતા, પરંતુ આજે ફરી અસરગ્રસ્ત લોકોની તબિયત વધારે બગડતા તમામ લોકોને અલગ અલગ ત્રણ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અંગે જૂના નેસડા ગામના સરપંચ મેતુભા દરબાર અને અસરગ્રસ્ત પરિવારના સંબંધી હનુબેન દરબારે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે અમે ભીલડી બજારમાં આવ્યા હતા અને પકોડીની લારી પરથી પકોડી પેક કરાવીને ઘરે લઈ જઈ ઘરના બધા લોકોએ સાથે મળી પકોડી ખાધી હતી. ત્યારબાદ રાત્રે બારેક વાગે ઘરના બધા લોકોને ઝાડા-ઉલ્ટી થવા લાગ્યા એટલે અમે રાત્રે ત્રણ વાગે ભીલડી હોસ્પિટલમાં જઈ સારવાર લીધી હતી. એ વખતે તબિયત સારી થઈ ગઈ હતી, પરંતુ આજે ફરી બધા લોકોની તબિયત ખરાબ થતાં ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા છીએ.