ડાકોર, ખેડા
પુત્રનુ કારસ્તાન.
ડાકોરમાં પુત્રએ પિતા પાસે રૂપિયા માગી કકળાટ કર્યો, પિતાએ ના કહેતા લાકડી વડે હુમલો કર્યોડાકોરમાં એક મજુરી કામ કરતા કુટુંબમાં મોટાપુત્રએ કકળાટ ઊભો કર્યો છે. દારૂ ઢીંચીને આવી પિતા પાસે કિસાન યોજનાના ખાતામાં પડેલા રૂપિયા પૈકી 500 રૂપિયા માંગી ઝઘડો કર્યો છે. આ ઝઘડો મારામારી સુધી પહોંચી જતાં દારૂડિયા પુત્રએ પિતાને લાકડી ફટકારી હતી. પિતાએ પુત્રના ડરથી ડાકોર પોલીસ મથકે દોડી જઈ પોતાના મોટા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઠાસરા તાલુકાના ડાકોર નાની ભાગોળ ખાતે રહેતા 48 વર્ષીય સતિષભાઈ બુધાભાઈ રાવળ પોતે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. સતિષભાઈ ને સંતાનમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે. જેમાં સૌથી મોટો દીકરો વિપુલ (ઉ.વ.22) કોઈ કામ ધંધો કરતો ન હતો. ગઈકાલે બપોરે આ વિપુલે પોતાના ઘરમાં દારૂ પી આવી પિતા સતિષભાઈ પાસે રૂપિયા 500 માગ્યા હતા. વિપુલે પોતાના પિતાને કહ્યું કે, તમારા ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે પૈસા આવેલા છે જેમાંથી મને રૂપિયા 500 આપો.
જેથી સતિષભાઈએ કહ્યું કે, આ પૈસા બાની દવા કરાવવા વાપરવાના છે જેથી તને પૈસા નહીં મળે. તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા વિપુલે પોતાનું ભાન ભૂલી પોતાના જ પિતા પર લાકડી વડે પ્રહાર કરી દીધો હતો. પોતાના પિતાને લાકડીના ફટકા મારી નીચે પાડી દીધા હતા. જોકે બુમાબૂમ થતા ઘરના બાકીના સભ્યો દોડી આવ્યા હતા અને દારૂડિયા વિપુલે પોતાના પિતાને ધમકી આપી ત્યાંથી રવાના થઈ ગયો હતો. સતિષભાઈને પોતાના જ પુત્રનો ડર લાગતા તેઓ તુરંત ડાકોર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ ચોપડે પોતાના પુત્ર વિપુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા.