ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં મંદિર અને બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી ટોળકી ઝડપાઇ છે. જેમાં ઝડપાયેલ આરોપીઓએ ડીસા તાલુકામાં મંદિર, ઘરફોડ અને વાહન ચોરી સહિત કુલ પાંચ ગુનાઓની કબુલાત કરતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા શખ્સો એક પછી એક ચોરીઓને અંજામ આપી રહ્યા હતા. જેથી પોલીસ પણ આ મામલે સતર્ક બની જીણવટભરી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસે કર્મચારીઓના માનવ સ્ત્રોત, ટેકનીકલ સર્વેલન્સ, નાઈટ પેટ્રોલીંગ વધારી સુઈગામના જલોયા ગામના રાજેશ ઉર્ફે રાજુ વાલજી ઠાકોર અને ધાનેરાના આશિયા ગામના લેબા કુરશી પરમારની અટકાયત કરી હતી.

ઝડપાયેલ બંને શખ્સોની પોલીસે કડક રીતે અને ઉલટ તપાસ કરતા ડીસાની એક પછી એક ચોરીની કબુલાત કરવા લાગ્યા હતા. જેમાં આ બંને શખ્સોએ ડીસા તાલુકામાં એક મંદિર ચોરી, ત્રણ ઘર ફોડ ચોરી અને એક વાહન ચોરી સહિત કુલ પાંચ ગુનાઓની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેમણે ચોરેલા માલની રિકવરી પણ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને આરોપીઓ રીઢા ચોર છે અને તેઓ અગાઉ બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ, માવસરી અને થરાદ પંથકમાં 11 જેટલી ચોરીઓમાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. જેથી પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા માટેની દિશામાં તપાસ શરૂ કરી છે.