બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાંથી એક કાળજુ કંપાવતી અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે ઘરેથી બાઇક લઇને સ્કૂલે જવા નીકળેલા શિક્ષક સ્કૂલે પહોંચે એ પહેલાં જ ડમ્પર નીચે આવી જતાં મોતને ભેટ્યા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાના આજે સીસીટીવી સામે આવ્યા છે.

આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ બનસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રાંટીલા ગામના પ્રવિણસિંહ સુબાભાઇ રાજપૂત ગામની જ શાળામાં આચાર્યની ફરજ બજાવે છે. જે ગઇકાલે સવારે પોતાના રુટિન સમય પ્રમાણે શાળાએ જવા નીકળ્યા હતા. આ દરમિયાન દિયોદરની જેતડા ચોકડી પાસે ટર્ન લેતા એક ડમ્પર નીચે આવી ગયા હતા.

પ્રવિણસિંહ ડમ્પર નીચે આવી જતાં ડમ્પરના તોંતિંગ ટાયર તેમના શરીર પર ફરી વળ્યા હતા. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિકોએ 108ને જાણ કરી હતી. 108ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત શિક્ષકને સારવાર અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, શિક્ષકને અતિ ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના અંગે મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે, એકાએક શિક્ષકનું મોત થતાં શાળાના વિદ્યાર્થીઓ અને તાલુકાભરના શિક્ષકોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.