ડીસાના માલગઢ ગામે શંકાસ્પદ ઘી પકડાતા પોલીસ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગથળા પાસેથી શંકાસ્પદ બનાસ ઘીના ડબ્બા પકડાતા પોલીસે આરોપીના ઘરે પહોંચી તપાસ કરતા બનાસના લેબલવાળા ખાલી ડબ્બા, વજન કાંટો અને ઢાંકણા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.
આગથળા પોલીસ આજે ડીસા થરાદ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે સમયે ડીસાથી થરાદ જઈ રહેલી એક ગાડી શંકાસ્પદ જણાઈ હતી. જેથી ગાડીને થોભાવી તલાસી રહેતા તેમાંથી શંકાસ્પદ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે ઘીનો જથ્થો લઈને જઈ રહેલા માલગઢ ગામના દેવાભાઇ માનાજી સાંખલા (માળી) (રહે. જોધપુરીયા ઢાંણી) નામના યુવકની પૂછપરછ કરતા અને તેની પાસેથી કોઈ જ બીલ ન મળતા શંકાસ્પદ નકલી ઘી હોવાનું જણાયું હતું. જેથી પોલીસે તરત જ ઘીના જથ્થા સહિતની શખ્સની અટકાયત કરી હતી.
ત્યારબાદ આ મામલે આગથળા પોલીસે વધુ તપાસનો દોર શરૂ કરી તરત જ બનાસ ડેરીની ટીમ તેમજ પાલનપુર ફૂડ વિભાગને પણ જાણ કરી તરત જ બોલાવી હતી અને આરોપી દેવા માળીને લઈને ડીસા તાલુકાના માલગઢ ગામે તેના ઘરે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા દેવા માળીના ઘરેથી બનાસ ઘીના લેબલ વાળા ખાલી ડબા, ઢાંકણા અને વજન કાંટો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.