અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ખારી અને વાત્રક નદીના સંગમ પર આવેલા વાત્રકગઢ ગામમાં દીપસિંહ અભેસિંહ અર્જુનસિંહ ઝાલા પરિવારના પટાંગણમાં માઘી પૂર્ણિમાની પાવન તિથિએ સિદ્ધ રામદેવજી ભગવાનનો દસમો 33 જ્યોત પાટોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો.
સંતોના સામૈયા અને હરિભક્તોના પૂજન વડે કાર્યક્રમની શુભ શરૂઆત થઈ હતી.સૌ શ્રદ્ધાળુઓ ભક્તોના આગમન સુધી સમૂહ ભોજન પ્રસાદ કરાવાયો હતો.શાલ અને લાલ રૂમાલ વડે સંતો ગાદીપતિ અને આગંતુક મહેમાનોનું ભાવભીનું બહુમાન કરાયું હતું.
મોડી રાત્રે બાર વાગ્યે ચૂણેલ આશ્રમના સદ્દગુરુ શ્રી શંકરરામ બાપુ અને ફાગવેલ સનાતન આશ્રમના સદ્દગુરુ શ્રી ભક્તિરામ બાપુના વરદ હસ્તે સિદ્ધ ધણી રામદેવજી ભગવાનનો દસમો 33 જ્યોત પાટ પૂરવામાં આવ્યો હતો.બાપુએ ચાર જુગના ચાર પાટનો ભક્તિ-મહિમા સમજાવ્યો હતો.બુલંદ સૂરમાં સિદ્ધ રામદેવજી ભગવાનની હિન્દી ગુજરાતી બે આરતી કરાઈ હતી.
જ્યોત પ્રજ્વલિત થતાંની સાથે જ રામદેવજી ભગવાનના જયઘોષ વડે વાત્રકગઢનું ગગન ગૂંજી ઉઠ્યું હતું.ભજનાનંદી ભજનિકોએ સુંદરતમ ભજનો નાભિકમળથી પ્રસ્તુત કર્યા હતા.દૂરદૂરથી આવેલ શ્રદ્ધાળુઓ જ્યોત પાટ દર્શનનો લ્હાવો લઈને ધન્ય બન્યા હતા અને જ્યોત પાટ આયોજકશ્રીની કામગીરી લોકમુખે વખણાઈ હતી.