ડીસામાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મોડેલ સ્કૂલ ખાતે 'માતૃભાષા મહોત્સવ' યોજાયો હતો. જેમાં શાળાના સંચાલકો અને મહેમાનોએ બાળકોને માતૃભાષાનું જીવનમાં મહત્વ અંગે સમજણ આપી હતી.
ગુજરાત સાહિત્ય અકાદમી અને હર્ષદા શરદચંદ્ર વકીલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મોડેલ સ્કૂલ ડીસામાં 'માતૃભાષા મહોત્સવ' યોજાયો હતો. જેમાં સંયોજક તરીકે નીલમબેન વકીલ, સંચાલક તરીકે કૌશિક જોશી રહ્યા હતા. શાળાની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય પ્રવીણ પ્રજાપતિએ આવેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.
વક્તા તરીકે કિશોર ત્રિવેદી 'થરાદરી' અને રોહિત સોની (તલાટી)એ મોડેલ સ્કૂલ ડીસાના બાળકો તેમજ ડીસાના સાહિત્યરસિક નગરજનોને ગુજરાતી ભાષા વિષે સુંદર વકતવ્ય આપ્યું હતું. તેમજ માતૃભાષાને નિરંતર સાચવવા અનુરોધ કર્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓથી પણ બાળકોને વાકેફ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ માતૃભાષાને જાળવી રાખે છે તે દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે.