ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના લઘુમતિઓને એક થવાની હાકલ કરી કોંગ્રેસને મજબૂત બનાવવા અને દિલ્હીમાં રહેલા પોપટનો જીવ ગુજરાતમાં હોવાની વાત કરી તે પોપટની ગરદન મચેડી નાખવા અંગે કરેલા નિવેદનનો ભારે વિરોધ થયો છે અને અમદાવાદના પાલડી ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ઉપર હજ હાઉસ લખવા સાથે કોંગ્રેસના નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત અને બજરંગ દળના જવલિત મહેતા સહિતના કાર્યકરો વહેલી સવારે પાલડી કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી તેમજ કોંગ્રેસ કાર્યાલયની બહારની દીવાલ ઉપર હજહાઉસ લખી વિરોધ વ્યક્ત કરાયો હતો.

અત્રે નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લઘુમતી સમાજની સભામાં નિવેદન હતું કે, દેશની તિજોરી પર સૌથી પહેલો હક લઘુમતિઓનો છે અને કોંગ્રેસ લઘુમતી સાથે રહેશે કોંગ્રેસની વિચારધારા અડગ જ રહેશે. આ નિવેદનથી ખુબ જ નુકસાન થશે તે પણ જાણું છું અને નુકસાનનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ વિચારધારા નહીં છોડે તેમ પણ જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું.
અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસના લઘુમતી સેલના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

લઘુમતી સમાજની ઠાકોરભાઇ દેસાઇ હોલમાં યોજાયેલી સદભાવના સભામાં જગદીશ ઠાકોરે મંચ પરથી નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના નિવેદન કરતાં કહ્યું કે દિલ્હીમાં બેઠેલાં પોપટનો જીવ ગુજરાતમાં છે અને આપણે આ પોપટની ડોક મરડી નાંખવાની છે. આ નિવેદન સાથે જ સામે બેઠેલાં લોકોએ જોરદાર તાળીઓ પાડીને મજા લેતા હવે આ નિવેદન ના ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે અને હવે વિરોધ શરૂ થયો છે.