ગુજરાત પ્રવાસે નીકળેલા જગદગુરૂ શંકરાચાર્યએ ડીસામાં હિન્દુ રાષ્ટ્રને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશની આઝાદી પછી 75 વર્ષ બાદ પણ ગૌ હત્યા થાય છે તે હિન્દુ સમાજ માટે કલંકરૂપ ઘટના છે. આ વખતે ચૂંટણીમાં જે લોકો ગૌ હત્યાબંધીનું વચન આપે તેમને જ વોટ આપવા માટે પણ લોકોને અપીલ કરી હતી.
ભગવાન આદ્ય શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોમાની મુખ્ય પીઠ જ્યોતિષ પીઠ બદ્રિકાશ્રમના શંકરાચાર્ય સ્વામી શ્રી અવીમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ ગુજરાત રાજ્યના પ્રવાસ ઉપર છે. ત્યારે આજે ડીસામાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માના નિવાસ સ્થાને જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ પધારતા તેમનો અભિવાદન સમારોહ અને પાદુકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જગદગુરુના દર્શન માટે સનાતન ધર્મ પ્રેમીઓ, ગોભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રિતેશ શર્માએ પરિવાર સહિત પાદુકા પૂજન કરી શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા હતા.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આપણા લોકોએ પણ પ્રયત્ન કરવો જોઈએ. હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દેશમાં સૌપ્રથમ ગૌહત્યા બંધ કરવી જોઈએ. ગાય વેદોથી લઇ શાસ્ત્રો સુધી પૂજનીય માનવામાં આવે છે. આપણા ઘરમાં બનતી સૌથી પહેલી રોટી ભગવાન અને ગુરુ કરતા પણ પહેલા ગાયને આપીએ છીએ, એટલે ગાય સૌ પ્રથમ પૂજનીય છે. દેશને આઝાદ થયા બાદ 75 વર્ષ પછી પણ ગૌ હત્યા બંધ નથી થઈ તે આપણા હિન્દુ સમાજ પર સૌથી મોટું કલંક છે. દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચિમાં ગાયને પશુની સૂચિમાં ગણવામાં આવી છે તેને પશુની સૂચિમાંથી નીકાળી રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે ત્યારે જ હિન્દુ રાષ્ટ્ર બનશે.
આપણે આપેલા વોટ મેળવી સરકાર ગૌહત્યા કરે તો આપણે પણ ગૌ હત્યામાં સહભાગી થઈએ છીએ. આ વખતે ચૂંટણીમાં જે લોકો સત્તામાં આવવા માગે છે એ લોકોએ પહેલા ગૌહત્યા પર પ્રતિબંધની ગેરંટી આપવી પડશે. આગામી ચૂંટણીમાં દરેક લોકોએ ઘર આગળ બોર્ડ લગાવવું જોઈએ કે ગૌહત્યા બંધી લગાવ્યા બાદજ વોટ માંગવા આવજો નહિતર વોટ માંગવા માટે ના આવતા.