ડીસામાં બનાસ બ્રિજ પાસેથી આજે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. જેમાં કાર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી છે અને દારૂ અને ગાડી સહિત કુલ 9.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ડીસા તાલુકા પોલીસને સોંપ્યો છે.

ડીસા તાલુકામાંથી આજે ફરી એકવાર દારૂની હેરાફેરીની લાઈન ચલાવવાનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એચ વી તડવી સહિતની ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગાડી ગુજરાતમાં આવી રહી હોવાની માહિતી મળી હતી. જેથી તેમણે ડીસા પાસે બનાસ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ફોર્ચ્યુનર ગાડી પૂરપાટ ઝડપે આવી રહી હતી. જેમાં શંકા જતા ગાડીને રોકાવી તલાશી લેતાં તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે તરત જ ગાડીના ચાલક સિકંદર ગુલાબભાઈ મીર અને નરસાજી બેવટાજી રાજપુતની અટકાયત કરી હતી.ગાડીમાં ભરેલ દારૂનો જથ્થો ગણતા કુલ 1516 દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે તરત જ દારૂનો જથ્થો, ફોર્ચ્યુનર ગાડી અને ત્રણ મોબાઈલ સહિત કુલ 9.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ કરતા તેમણે દારૂની લાઈન ચાલતી હોવાની સમગ્ર માહિતી આપી હતી. જેમાં તેઓ આશિષ ઉર્ફે આસુમલ અગ્રવાલ દારૂની લાઈન ચલાવે છે. જેમાં પ્રિન્સ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો ગાડીમાં ભરી આપ્યો હોવાનું જણાવતા પોલીસે જડપાયેલ બંને આરોપીઓ સહિત આસુમલ દારૂની લાઈન ચલાવનાર, દારૂ ભરાવનાર, દારૂ મંગાવનાર અને ગાડીના માલિક સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યારે ઝડપાયેલ આરોપીઓ અને મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.