ડીસામાં બનાસ પુલ પાસે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. બસ અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં ભરેલા લોખંડના સળીયા કાચ તોડી બસમાં ઘૂસી જતા કંડક્ટર સહિત આઠ લોકોને ગંભીર ઈજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ડીસામાં બનાસ પુલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધાનેરા-અમદાવાદ બસ ડીસામાં બનાસ પુલ પાસેથી પસાર થઈ રહી હતી અને બસ ચાલક રીક્ષાની ઓવરટેક કરી રહ્યો હતો. તે સમયે અચાનક રીક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી અને રિક્ષા પલ્ટી ખાતા તેમાં ભરેલા લોખંડના સળિયા સાઈડમાંથી પસાર થતી બસના કાચ તોડીને અંદર ઘૂસી ગયા હતા. અચાનક લોખંડના સળિયા બસમાં ઘૂસી જતા કંડક્ટર સહિત આઠ જેટલા પેસેન્જરને ગંભીર ઈજા પહોંચી હતી. લોખંડના સળીયાઓ ઘૂસી જતા પેસેન્જર લોહી લુહાણ થઈ ગયા હતા.

આ ઘટનાને પગલે તરત જ આજુબાજુના લોકો અને વાહનચાલકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માત થયો હોવાની જાણ થતા જ ડીસાની બે અને ગઢની એક એમ કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમો પણ તરત જ બનાવસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક મુસાફરોની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.