ડીસામાં રહેતી એક યુવતીને તેનો પતિ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરી ત્રણ સંતાનો સાથે કાઢી મૂકી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પીડિત યુવતીએ શહેર દક્ષિણ પોલીસ મથકે તેના પતિ સહિત કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસામાં રહેતી એક યુવતીના લગ્ન અસગરી પાર્ક ખાતે રહેતા મોહસીન અબ્દુલકરીમ કુરેશી સાથે થયા હતા. આઠ વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા બાદ તેમને દાંપત્ય જીવન દરમ્યાન બે દિકરી અને એક દીકરો સહિત કુલ ત્રણ બાળકોનો જન્મ થયો છે. શરૂઆતના એક વર્ષ સુધી બધું જ બરાબર ચાલ્યા બાદ યુવતીને દીકરીનો જન્મ થયા બાદ તેના પતિ, સાસુ અને સસરા તેને શારીરિક, માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

તેમ છતાં યુવતીના માતા-પિતા તેનો ઘર સંસાર ન બગડે તે માટે સમજાવતા યુવતી સાસરીમાં દુઃખ સહન કરી રહેતી હતી. બાદમાં તેના પતિએ યુવતીના માતા પિતાએ લગ્નમાં કંઈ જ આપ્યું નથી. જેથી બે લાખ રૂપિયાની દહેજની માગ કરી બે વર્ષ અગાઉ યુવતીને ત્રણ સંતાનો સાથે કાઢી મૂકી હતી. તે સમયે યુવતીના માતા-પિતાએ લગ્નમાં આપેલા સોના ચાંદીના દાગીના પણ તેના પતિએ પડાવી લીધા હતા.

ત્યારબાદ યુવતીએ તેના સાસરિયાઓ વિરુદ્ધ અરજી કરી હતી. જેથી રોષે ભરાયેલા સાસુ, સસરા, જેઠ, મામા સસરા સહિત છ જેટલા લોકોએ તેના ઘરે આવી અપશબ્દો બોલ્યા હતા અને હવે યુવકના લગ્ન બીજી કરાવી દેવાની ધમકી આપી હતી. આમ સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી યુવતીએ આખરે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે તેના પતિ સહિત કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.