સુરેન્દ્રનગર એલસીબીની ટીમે રતનપર બાયપાસ ઉપરથી દારૂ ભરેલી કાર પકડી લીધી હતી. કારની તપાસ કરતા તેમાંથી દારૂ સાથે રૂ.4.25 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ગેબનશા સર્કલથી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસ કારની લગોલગ થઇ જતા આરોપી કાર મુકીને ભાગી ગયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂનો વેપલો કરતા આરોપીઓ સામે પોલીસે ધોસ બોલાવી છે આથી બુટલેગરો કારમાં છુપાવીને દારૂની ખેપ મારતા થઇ ગયા છે. ત્યારે એલસીબી પીએસઆઇ બી.એલ.રાયજાદાને હકીકત મળી હતી કે લખતર તરફથી એક કારમાં દારૂ ભરીને સુરેન્દ્રનગર તરફ લાવવામાં આવી રહયો છે.આથી સ્ટાફના રામદેવસિંહ, પરિક્ષીતસિંહ, સાહિલભાઇ, ગોપાલસિંહ અને મેહુલભાઇ સહિતની ટીમે ગેબનશા પીરના સર્કલ પાસે વોચમાં હતા.ત્યારે શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર મારી મુકી હતી. આથી પોલીસે કારો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ચાલકે દારૂ ભરેલી કાર રતનપર બાયપાસ રોડ ઉપર મારી મુકી હતી. પરંતુ પોલીસ કારને આંબી જાય તેમ હોય ચાલક રસ્તા ઉપર જ કાર મુકીને નાશી છુટયો હતો.પોલીસે કારની તપાસ કરતા તેમાંથી જુદી જુદી કંપનીની વિદેશી દારૂની 136 બોટલ, 386 બીયર અને 323 દારૂના ચપલા સહિત રૂ.1.25 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કાર સાથે કુલ રૂ.4.25 લાખનો મુદ્દામાલ મળી આવતા વઢવાણ પોલીસ મથકે અજાણયા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.