ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ છે. કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરુણ મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો.

ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર રસાણા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા જયંતિભાઇ ગીરધરભાઇ માળી (પરમાર) ફોટો અને વિડીયોગ્રાફીનો વ્યવસાય કરતા હતા. જેઓ કુંભલમેર ગામે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફીના ઓર્ડરમાં ગયા હતા અને ત્યાંથી પોતાનું બાઈક લઈને પરત ડીસા તરફ આવી રહ્યા હતા.

 તેમજ રસાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરપાટઝડપે આવી રહેલ કાર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાઈકને ટક્કર વાગતા રોડની સાઈડમાં આવેલી જાડીમાં ઘૂસી ગયું હતું. જ્યારે કાર પણ પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતમાં બાઈક ચાલક જયંતિભાઇ રોડ પર પટકાતા તેમને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા લોહી લુહાણ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેમનું કરુણ મોત થયુ હતું.

આ ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો પણ તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જે અંગે મૃતકના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માત કરી ગાડી મૂકી નાસી થઈ જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.