બનાસકાંઠામાં ડીસાની નામદાર કોર્ટે મહેસાણા જીલ્લા પોલીસ વડા સામે કેસ દાખલ કરવા હુકમ કર્યો છે. અગાઉ પી. આઇ. સામે થયેલી ફરિયાદના કેસમાં નોટીસ આપવા છતાં પણ હાજર ન રહેતા કોર્ટે ફરિયાદ કરવાનો હુકમ કર્યો છે.

ડીસાની નામદાર કોર્ટે મહેસાણા જીલ્લા પોલીસ વડા સામે ફરિયાદ રજીસ્ટર કરવા માટે રજીસ્ટરની હુકમ કર્યો છે. જેમાં હત્યાના કેસમાં એક વર્ષ અગાઉ મહેસાણા પી.એસ.આઇ. અને હાલમાં પી.આઇ. બી.વી.પટેલને કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું, પરંતુ મહેસાણા જીલ્લા પોલીસ વડાએ પી.આઇ.ને કોર્ટમાં હાજર રહેવા માટે પરવાનગી આપી ન હતી. જેથી કોર્ટે આ મામલે પૂછતા પી.આઇ.એ એસ.પી.એ હાજર ન રહેવા માટે જણાવ્યું હતું.

ત્યારબાદ કોર્ટે મહેસાણા જીલ્લા પોલીસ વડાને હાજર રહેવા માટે વારંવાર સમન્સ પાઠવ્યા હતા. તેમ છતાં હાજર ન રહેતા આખરે કોર્ટે નોટિસ કાઢી હતી અને તેમાં પણ હાજર ન રહેતા આજે ડીસાની આઠમી એડિશનલ સેશન્સ કોર્ટના જજ મિહિરદેવસિંહ ઝાલાએ નોટિસ આપવા છતાં પણ કોર્ટમાં હાજર ન રહેનાર મહેસાણાના જીલ્લા પોલીસ વડા સામે આઇ.પી.સી. કલમ-186 મુજબ ફરિયાદ દાખલ કરવા રજીસ્ટરને હુકમ કર્યો છે. આ કેસ દાખલ કરવા અંગે ગુજરાત સરકારના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને ગાંધીનગરના રેન્જ આઇ.જી.ને જાણ કરવા માટે પણ હુકમમાં જણાવેલું છે.