બનાસકાંઠા જિલ્લા એલસીબીના તત્કાલીન ઇન્ચાર્જ પી.આઇ. સામે ક્રિમીનલ કેસ રજીસ્ટર કરી સમન્સ ઇસ્યુ કરવાનો ડીસા નામદાર કોર્ટે હુકમ કર્યો છે. છ વર્ષ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકરોને બળજબરીપૂર્વક ઉઠાવી લઈ જતા ઈજા પહોંચાડવા મામલે કોર્ટે હુકમ કર્યો છે.

સમગ્ર કેસની હકીકત એવી છે કે, તા. 9/12/2016 ના રોજ ડીસામાં રહેતા અને આમ આદમી પાર્ટીના આગેવાન ભેમાભાઈ ચૌધરી(હાલ કોંગ્રેસમાં છે) અને જિલ્લા મહામંત્રી વિનોદ જોશી જલારામ મંદિર પાસે તેમના મિત્રો સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે અચાનક અજાણ્યા સીવીલ ડ્રેસમાં 7 શખ્સો આવ્યા હતા અને બંનેને ગળા અને શરીરના ભાગેથી પકડી બળજબરીપૂર્વક ત્યાંથી લઈ જઈ રહ્યા હતા. તે સમયે ભેમાભાઈએ તેઓ કોણ છે તેવું પૂછતા આ શખસોએ જાહેરમાં અપમાનજનક વર્તન કરી, હાકોટા કરી ડરાવેલ અને ઢસડીને બંનેને કારમા બેસાડી રોડ પર ફેરવેલ. ત્યારબાદ મોડા કારમાંથી ઉતારી પોલીસ વાનમાં બેસાડી પાલનપુર હેડ ક્વાર્ટર ખાતે લઇ ગયા હતા. બંનેને ઢસડીને લઈ જઈ રહ્યા હતા. તે સમયે પોલીસ કર્મચારીઓના નખ વાગતા તેમને ઈજા પણ પહોંચી હતી.

ત્યારબાદ બીજા દિવસે બંનેને પોલીસ વાન મારફતે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લાવેલા ત્યારે જ તેઓને ખબર પડી કે વડાપ્રધાનની જાહેરસભા હોવાથી સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ મામલતદાર કચરી ખાતે જાતમુચરકા પર છોડવાના કાગળો તૈયાર કરતા બંનેએ સારવાર લેવા માટે અને કેસ લડવા માટે વિરોધ ઉઠાવ્યો હતો, પરંતુ તેમની વાત કોઈ સાંભળી ન હતી. ત્યારબાદ જામીન પર છૂટયા પછી ભાઈ તરત જ બંને સરકારી હોસ્પિટલ ખાતે પહોંચીને સારવાર લીધી હતી.

આ સમગ્ર મામલે ભેમાભાઈ ચોધરીએ ડીસા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદી તરફે એડવોકેટ સુભાષ ઠકકર, આર.એચ. ઠકકર, પી. આર. સોલંકી તથા આર.કે ચૌહાણ વગેરે એડવોકેટની પેનલ હાજર રહી હતી. સદર કેસ ચાલી જતા અને ફરિયાદી પક્ષે વકીલ સુભાષ ઠક્કરની દલીલોને અને રજૂ પુરાવા ધ્યાને લઇ એડિશનલ જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કુલદીપ આર શર્માએ ફરિયાદને ક્રિમીનલ કેસ રજીસ્ટરે કરવા તેમજ એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ જે.એચ સિંધવ સામે આઈ પી સી કલમ 323 294(ખ) અન્વયેનો સીઆરપીસીની કલમ 204 મુજબ સમન્સ ઇસ્યૂ કરવાનો હુકમ કર્યો છે.