ડીસામાં કોલ્ડ એસોસિએશનને ભાડા વધારતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પણ કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને સોલર સહિત ખર્ચ ઘટાડી ખેડૂતો પાસેથી વ્યાજબી ભાડું લેવા માટે અપીલ કરી હતી.
ગુજરાતમાં સૌથી વધુ બટાકાનું વાવેતર ડીસા પંથકમાં થાય છે એટલે ડીસામાં કોલ્ડ સ્ટોરેજની સંખ્યા પણ ખૂબ જ છે. હાલમાં ડીસા તેમજ આજુબાજુમાં 199 જેટલા કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે. ત્યારે હમણાં જ યોજાયેલી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં આ વર્ષે બટાટા સંગ્રહના ભાડામાં વધારો કરાયો છે.
અગાઉ બટાટાના સંગ્રહ માટે કિલોએ 2.20 રૂપિયા ચૂકવવા પડતા હતા. તેમાં 20 પૈસાનો વધારો કરતા હવે ખેડૂતોને 2.40 પૈસા ચૂકવવા પડશે. આમ એક કટ્ટા દીઠ ખેડૂતોને રૂ. 10 વધારે ચૂકવવા પડશે. જેને લઇ ભારતીય કિસાન સંઘ સહિત ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો અને અને તાત્કાલિક ભાડું વધારો પાછો ખેંચવા માટે ચીમકી ઉચ્ચારી હતી.
ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ આ મામલે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો પાસેથી વધુ ભાડું લેવાને બદલે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ તેમના વિવિધ ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ. કાર્બન ઉત્સર્જન ઘટે તે માટે સોલરનો ઉપયોગ કરવો અને રૈન વોટર હાર્વેસ્ટિંગ કરવું તેમજ તમામ બાબતોની અંદર ઉદ્યોગને કાર્બન ક્રેડિટ મળે અને કાર્બન ક્રેડિટ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાય અને તે રીતે પણ ખર્ચ ઘટી શકે તેવી સંભાવનાઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલી છે માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ આ રીતે ખર્ચ ઘટાડી ખેડૂતો પાસેથી વ્યાજબી ભાડું લેવું જોઇએ તેવી વિનંતી કરી હતી.