બનાસકાંઠાના ડીસામાં આશા વર્કર બહેનોને છેલ્લા 10 મહિનાથી 50% ટોપઅપ વધારો ન ચૂકવતા વિરોધ દર્શાવ્યો છે અને તમામ આશા વર્કર બહેનોએ આજથી ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જઈ જ્યાં સુધી તેમને રેગ્યુલર ટોપઅપ વધારો નહીં ચૂકવાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી.

ડીસામાં અર્બન એક અને અર્બન-2 ની આશા વર્કર બહેનોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. સરકારે આશા વર્કર બહેનોને 2017 થી 50 ટકા ટોપઅપ વધારો ચૂકવે છે આમ તો દર વર્ષે છ મહિને આ ટોપઅપ વધારો ચૂકવી દેવામાં આવે છે, પરંતુ ડીસામાં અર્બન એક અને અર્બન બેની આશા વર્કર બહેનોને છેલ્લા 10 મહિનાથી આ વધારો ચૂકવવામાં આવ્યો નથી. જેથી આશા વર્કર બહેનોએ આ મામલે અગાઉ ડીસા અર્બન હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી આ વધારો ચૂકવવામાં ન આવતા આખરે કંટાળેલી આશા વર્કર બહેનો આજે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગઈ છે.

આ અંગે આશા વર્કર પ્રિયાબેન ગૌસ્વામી અને નાવીબેન સુથારે જણાવ્યું હતું કે, અમે આરોગ્ય વિભાગમાં પાયાની તમામ કામગીરી કરીએ છીએ તેમ છતાં પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે. આટલી મહેનત કરવા છતાં પણ અમને રેગ્યુલર ટોપઅપ વધારો ચૂકવ્યો નથી. જેથી અમે આજે તમામ આશા વર્કર બહેનો કામકાજ બંધ કરી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.