ડીસા તાલુકાના મુડેઠા ગામ નજીક શુક્રવારે રાત્રે ડીસા તાલુકાના શેરપુરા ગામના યુવાનની કાર અને ટ્રેલર સામસામે ટક્કર કાર ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.

ડીસા તાલુકાના શેરપુરાના ભેરપુરી નેનપુરી ગૌસ્વામી (સ્વામી) પુજાપાઠ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે શુક્રવારે રાત્રે પોતાની અલ્ટો કાર નંબર જીજે-01-એચકે-2096 લઇ ખીમાણીથી ભીલડી તરફ આવી રહ્યા હતા.

તે દરમિયાન મુડેઠા પેટ્રોલ પંપ નજીક ગફલતભરી રીતે કાર હંકારી રોંગ સાઇડમાં આવી સામેથી આવતાં ટ્રેલર નંબર જીજે-12-બીડબલ્યુ-0744 સાથે ટકરાતા ભેરપુરી નેનપુરી ગૌસ્વામીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

જેની જાણ ભીલડી પોલીસ અને નેશનલ હાઇવે ઓર્થોરીટીને થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને લાશનો કબજો લઇ ભીલડી પ્રાથકમિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. કરાવી લાશને વાલી વારસોને સોંપવામાં આવી હતી.