ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયનની બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. લેબર તેમજ લાઈટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાયો છે.

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડસ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે ત્યારે, ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિઅન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. જેમાં બટાટાના ભાવ, સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોંગીગ, ગ્રેડીગ સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિઅનની બેઠક 26મી જાન્યુઆરીએ યોજાઇ હતી. જેમાં જિલ્લાના 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

એસોસિઅનના ચેરમેન ફુલચંદભાઈ કચ્છવાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 2024ના વર્ષ માટે ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી પ્રતિ કિલો રુ 2.00 હતા, જેનો વધારો કરી પ્રતિ કિલો રુ 2.20 કરવામાં આવ્યા હતા.

એટલે કે કિલોએ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે 30 નવેમ્બર સુધી પહેલા પ્રતિ કિલો રુ 2.40 હતા. જેમાં 20 પૈસાનો વધારો કરી પ્રતિ કિલો રુ 2.60 કરવામાં આવ્યા હતા. આમ બન્ને ભાડામાં 20 પૈસાનો વધારો કરતા ખેડૂતોને પ્રતિ કટ્ટાએ (50કિલો)એ રુ.10 નો વધારો ચૂકવવો પડશે. સાથે પ્રતિ કટ્ટાએ રુ 12.50 ગ્રેડીગ ચાર્જ અલગથી વસુલવાનો નિર્ણય પણ લેવાયો છે.

આ સાથે CIPC ચેમ્બરના ભાડાના દરો પણ નક્કી કરાયા છે, જેમાં રુ 2.10 જૂન સુધી ફોંગીગ ગ્રેડીગ ચાર્જ અલગથી લેવામાં આવશે અને રુ 2.30 સપ્ટેમ્બર સુધી ફોંગીગ ગ્રેડીગ ચાર્જ અલગથી લેવામાં આવશે. ઓક્ટોબર પછી જો બટાટા સ્ટોરેજમાં હશે તો પ્રતિ કિલોએ 15 પૈસા ચાર્જ લેવાનું નક્કી કરાયું હતું.

જોકે, હાલ જિલ્લામાં ચાલુ સાલે 200 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે અને 3.15 કરોડ કટ્ટા સંગ્રહની કેપિસિટી છે ત્યારે, ભાડા વધારાના કારણે ખેડૂતોને આ વર્ષે રુ 31.50 કરોડ વધારાના ચૂકવવા પડશે.