બનાસકાંઠાના ડીસામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે જાગૃત કર્યા હતા.

વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, તેની સાથેસાથે અકસ્માતોની ઘટનાઓ પણ વધી રહી છે. તો મોટાભાગે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ન થતા આવા અકસ્માતોની ઘટનાઓ બનતા અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે, આવા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ડીસામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ હતી.

આ જન જાગૃતિ રેલી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકેથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરી હતી. તેમજ ટુવ્હીલર કે અન્ય વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો, બાઈક સવારોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું, વાહનચાલકોએ સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો, હંમેશા રોડની ડાબી સાઈડમાં જ વાહન ચલાવવું, ખોટી રીતે ઓવરટેક ન કરવું સહિતના નિયમો અંગે લોકોને માહિતગાર પણ કર્યા હતા.