ડીસા તાલુકાના બુરાલ ગામે દારૂ પીવા માટે પૈસા ન આપતા કૌટુંબિક ભાઈ-ભત્રીજાએ 70 વર્ષે વૃદ્ધ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધએ સારવાર લીધા બાદ ડીસા તાલુકા પોલીસ મથકે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ડીસા તાલુકાના બુરાલ ગામે રહેતા વળવેજી મણાજી ઠાકોર ખેતીનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઈકાલે તેમના ખેતર તરફ ચાલતા જઈ રહ્યા હતા.

તે સમયે તેમના કૌટુંબિક ભાઈ બચુજી કપૂરજી સોલંકી અને તેમનો પુત્ર અમરસિંહ બચુજી સોલંકી ટ્રેક્ટર પર જઈ રહ્યા હતા. આ બંને પિતા-પુત્રએ વણવીરજીને ઊભા રાખી તેમની પાસે દારૂ પીવા માટે પૈસા માગ્યા હતા. વૃદ્ધે દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા આ બંને પિતા પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને વણવીરજી પર લાકડી વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં વણવિરજીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનારા બંને લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને જતા જતા વણવિરજી પર ટ્રેક્ટર ફેરવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ તેમણે ડીસા તાલુકા પોલીસ મથકે હુમલો કરનારા બંને પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.