બનાસકાંઠાના પાલનપુર નજીક ખીમાણા ટોલ પ્લાઝા પર 24 ડિસેમ્બરે અસામાજીક તત્વોએ ટોલ ન ભરવા મામલે આંતક મચાવ્યો હતો અને ધોકા અને લાકડીઓ સાથે આવેલા શખ્સોએ ટોલ પ્લાઝા કર્મીને ઢોર માર મારી ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી. તો સાથે જ ટોલ પ્લાઝામાં તોડફોડ પણ કરી હતી. સમગ્ર મામલાને લઇ પાલનપુર તાલુકા પોલીસ મથકે નામજોગ ફરિયાદ દાખલ થતા પાલનપુર તાલુકા પોલીસે 5 ઈસમોની ધરપકડ કરી છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના ખીમાણા ટોલ પ્લાઝા પર 24 ડિસેમ્બરએ અસામાજિક તત્વોના ટોળાંએ હુમલો કર્યાની ઘટના સામે આવી હતી.જે ઘટના ટોલ પર લાગેલા સીસીટીવીમાં કેદ પણ થઇ હતી.
જેમાં કારમાં આવેલા કેટલાંક અસામાજીક તત્વો ધોકા સાથે ટોલ પર પહોંચ્યા અને અચાનક ટોલ પર રહેલા એક કર્મચારી પર હુમલો કરી તેને ઢોર માર માર્યો તો સાથે જ ટોલ પ્લાઝાની કેબીનની તોડફોડ પણ કરી હતી.
જોકે, સમગ્ર ઘટના દરમિયાન એક ટોલકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને લઇ ઇજાગ્રસ્ત ટોલકર્મી દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચી હુમલો કરનાર ઈસમો પર શખ્સઓના નામજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી. જોકે, હુમલો કરનાર પાંચે શખ્સોની પાલનપુર તાલુકા પોલીસે અટકાયત કરી છે તો હુમલા દરમિયાન વપરાયેલી કાર પણ તાલુકા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.