જીંદગી કીમતી છે, કાળજી રાખી, વાહન સાવધાનીથી હંકારોનો સંદેશ આપવા ડીસામાં પોલીસ દ્વારા ટ્રાફિક સલામતી સપ્તાહની ઊજવણી કરાઇ છે અને ટ્રાફિક પોલીસે દરેક વાહન ચાલકોને ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે.

આ સપ્તાહ દરમિયાન પ્રજાને ટ્રાફિકના નિયમોની જાણકારી અને જાગૃતિ અંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જલારામ મંદિર, એરપોર્ટ ચાર રસ્તા અને ગાયત્રી મંદિર પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફુલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

દેશમાં હાલમાં વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. તેની સાથે સાથે માર્ગ અકસ્માતો ખૂબ થાય છે. જેમાં અનેક વ્યક્તિઓ જાન ગુમાવે છે અથવા નાની-મોટી ઈજાનો શિકાર બનતા હોય છે. ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસની સાથે સાથે દરેક વ્યક્તિ અને વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે તો જ અકસ્માતોની ઘટનાઓને અટકાવી શકાય તે અંગે ટ્રાફિક પોલીસે વાહનચાલકોને પણ નમ્ર અપીલ કરી સમજાવ્યા હતા.