અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇ ડીસા નગરપાલિકા દ્વારા પણ સુંદરકાંડ પાઠ અને એક શ્યામ પ્રભુ શ્રીરામ કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભક્તિમાં તરબોળ બની નગરસેવકો સહિત લોકો ઝૂમી ઉઠ્યા હતા.

ડીસા શહેર રામમય બની ગયું છે અને છેલ્લા એક અઠવાડિયાથી દરેક સોસાયટી, શેરી અને ઘરમાં ભગવાન શ્રીરામના નામનું રટણ થઈ રહ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આજે સુંદરકાંડ પાઠ અને એક શામ પ્રભુ શ્રીરામ કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા, માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નગરપાલિકા આગળ યોજાયેલા એક શામ પ્રભુ શ્રીરામ કે નામ કાર્યક્રમમાં કલાકારોએ ભગવાન શ્રીરામના એક પછી એક ગીતો ગાયા હતા. પ્રભુ ભક્તિમાં લીન થતા ડીસાવાસીઓ ભક્તિમાં તરબોળ બન્યા હતા અને રામ ભક્તિના રંગે રંગાયેલા નગર સેવકો સહિત હજારો લોકો ઝૂમી ઉઠ્યા હતા.