રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિને અમરેલી જિલ્લાના ૫ (પાંચ) ગામના સંરપંચોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ લીધો
બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિને વેગવંતુ બનાવવાનો નવસંકલ્પ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. અમરેલી જિલ્લાના બગસરા ખાતે ગુરુવારે રાજ્યપાલના જન્મદિને પાંચ ગામના સરપંચોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પ લીધો હતો. બગસરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉપસ્થિત રહેલા રાજ્યપાલની ગરિમામય ઉપસ્થિતિમાં બગસરા તાલુકાના સુડાવડના સરપંચ પ્રવિણભાઈ આસોદરિયા, હડાળાના સરપંચ પુનાભાઈ પાઘડાર, રફાળાના સરપંચ, પુનાભાઈ વેકરિયા, ડેરી પીપરીયાના સરપંચ પ્રદીપભાઈ ભાખર અને નવા પીપરીયા ગામના સરરપંચ પુનાભાઈ સતાણીએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પ લીધો હતો. આ પાંચ ગામના સરપંચો પ્રાકૃતિક ખેતી કરશે અને ત્યારબાદ પોતાના ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળશે. પ્રાકૃતિક કૃષિ માટે પાંચ ગામના સરપંચોની આ પહેલ બદલ રાજ્યપાલે તેમને અને પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટીંબડીયા તેમજ મોટા માંડવડા ગામના અગ્રણી પ્રફુલભાઈ સેંજલિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંતો, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ, જિલ્લા કલેક્ટર, બગસરા પ્રાંત અધિકારી અને ભકતજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા