ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામા આજે ખાણ-ખનીજ વિભાગનના લીઝ માટેના ATR સર્વર ઠપ્પ થતા ફરી એકવાર ડમ્પર ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને દિવસભર સર્વર ચાલુ ન થતા નદીમાં રેતી ભરવા આવેલા હેવી વાહનોને લાંબી કતાર લાગી ગઈ હતી. તો જિલ્લાના ખાણ ખનીજ વિભાગને લાખોનું નુકશાન થવા પામ્યું હતું.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર રેતી, કપચી સહિત ખનીજ ભરતા હેવી વાહન ચાલકો બુધવારે પરેશાન થયા હતા. બુધવારે સવારથી જ ખાણ ખનીજ વિભાગમાં લીઝના ATR તેમજ સ્ટોકના ATR સર્વર ઠપ થઈ જતા રેતી, કપચી ભરવા માટેની રોયલ્ટી પાસ નીકળતી ન હતી. જેના કારણે માત્ર બનાસકાંઠા નહીં પરંતુ રાજસ્થાનમાંથી આવતા અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા.

આમ સામાન્ય રીતે સવારે 6:00 વાગે ATR સર્વર શરૂ થઈ જતા રોયલ્ટી નીકળવાનુ શરૂ થાય છે, પરંતુ બુધવારે સવારના એક કલાક બાદ સર્વર ઠપ થઈ ગયું હતું અને સર્વર ઠપ્પ થતાં દિવસ દરમ્યાન રોયલ્ટી નીકળી શકી ન હતી. જેના કારણે રેતી ભરવા માટે આવેલા હેવી વાહનોનો અનેક નદીમાં ખડકલો થઈ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 15 દિવસ અગાઉ જીપીએસ લગાવવા માટે પણ રેતી વહન કરતા વાહનચાલકો ભારે હેરાન થયા હતા. જીપીએસનો સ્ટોક ઓછો અને વાહનો વધારે હોવાથી પાંચ થી છ દિવસ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારબાદ હવે બુધવારે ફરી ATR સર્વર ઠપ્પ થઈ જતા ડીસા પાસે પસાર થતી બનાસ નદીમાં અનેક વાહનોની લાંબી કતાર લાગી હતી અને એક જ દિવસમાં સરકારને પણ લાખોની આવક ઘટી જવા પામી હતી.