ડીસામાં ભોપાનગરમાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આઠ બાળકોની માતાની પંખાના ઘા મારી હત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. શહેર દક્ષિણ પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ડીસામાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે. ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજીરાણાના લગ્ન અંદાજિત 20 વર્ષ પહેલા બાખાસરના વાછવાળ ગામે રહેતા ચેતનભાઈ માજીરાણા સાથે થયા હતા અને અત્યાર સુધી બંને પતિ-પત્ની વચ્ચે મનમેળ રહેતા 8 સંતાનો થયા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી ઘર કંકાસના કારણે બંને વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. તે દરમિયાન રાજુબેન તેમના પિયર આવ્યા હતા. ત્યારબાદ આજે તેમનો પતિ રાજુબેનને તેડવા માટે આવ્યો હતો.

આજે સવારે બંને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને ગુસ્સામાં પતિએ પત્નીને સીલીંગ ફેનના ઉપરા ઉપરી બે ઘા માર્યા હતા. માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા અને લોહી લુહાણ થઈ જતા રાજુબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ બનાવસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાર બાદ પતિ પણ ઘરે હાજર હોવાથી પોલીસે તેની અટકાયત કરી આગળથી કાર્યવાહી હાથ ધરી છે. આઠ સંતાનની માતાની હત્યા થતા પરિવારમાં માતમ છવાયો છે. જ્યારે માતાની હત્યા અને પિતા જેલમાં જતાં માતા-પિતા વગર સંતાનો નિરાધાર બન્યા છે.