ડીસા તાલુકાના ચાર ગામોમાં નવા ચાર સબસ્ટેશન બનશે, વર્ષો પહેલા મંજૂર થયેલ સબસ્ટેશનનું કામ જમીન વિવાદના કારણે અટક્યું હતું. ડીસા તાલુકાના ગામોમાં વીજ ઘટ અને વીજ ફોલ્ટને પહોંચી વળવા નવા ચાર સબ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ જમીન વિવાદના કારણે મંજૂર થયા બાદ પણ કામ શરૂ થયું ન હતું પરંતુ હવે જમીનની ફાળવણી થતા ટૂંક સમયમાં ચાર સબ સ્ટેશનનું કામ શરૂ થતાં અનેક ગ્રાહકોને ફાયદો થશે.

ડીસાના ગામોમાં ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે અને પાણીના તળ ઊંડા જતા વીજ કનેકશનમાં લોડનો સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ફીડરોમાં વારંવાર ટ્રીપ થતી હતી અને ફોલ્ટ સર્જાતા રહે છે. જેને પહોંચી વળવા માટે ભડથ, રાણપુર, મહાદેવિયા અને ભોયણ ગામે ચાર નવા સબ સ્ટેશન બનાવવાની મંજૂરી ત્રણ વર્ષ અગાઉ આપવામાં આવી હતી. પરંતુ જમીન વિવાદના કારણે સબ સ્ટેશનના કામ શરૂ થયા ન હતા પરંતુ વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂત આગેવાનોની સમજૂતી બાદ જમીનની ફાળવણી કરવામાં આવતા અત્યારે ભડથ ગામે સબ સ્ટેશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે રાણપુર ગામમાં જમીન વિવાદ પૂર્ણ થતાં ત્યાં પણ ટૂંક સમયમાં કામ શરૂ થશે અને મહાદેવિયા તેમજ ભોયણ ગામે જમીન વિવાદનો અંત લાવવા ખેડૂત આગેવાનો અને અધિકારીઓના પ્રયાસો ચાલુ છે. આમ ડીસાના ગામોમાં ચાર નવા સબ સ્ટેશન બનતા વીસ જેટલા ફીડરોને ડાયવર્ટ કરતા જેના કારણે અંદાજિત 1200થી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે. સાથે જ લાંબી લાઈનોના કારણે સર્જાતા ફોલ્ટ પણ દૂર થશે અને ખેડૂતોને વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી શકશે અને લોડ વધારો પણ ખેડૂતોને સમયસર મળી જશે અને મોટર બળી જવાની સમસ્યા પણ દૂર થશે.

બોક્સ

ખેડૂતોને એક જ સર્વે નંબરમાં બીજો વીજ જોડાણ મળશે

રાજ્ય સરકાર દ્વારા રજૂઆતના પગલે સરફેસ વોટર એટલે કે વરસાદી પાણીથી સિંચાઈ માટે ખેતી કરતા ખેડૂતોને એક જ સર્વે નંબર ની અંદર બીજુ વીજ જોડાણ કનેક્શન મળી રહેશે જેથી ખેડૂતો સારી રીતે ખેતી કરી શકશે 

બોક્સ

ત્રણ વર્ષ અગાઉ મંજૂર થયેલા સબ સ્ટેશનનું કામ શરૂ થયું

રાજ્ય સરકાર દ્વારા ડીસા તાલુકાના ચાર ગામો જેમાં ભોયણ રાણપુર મહાદેવીયા અને ભડથ માં ચાર નવા સબ સ્ટેશનને મંજૂરી ત્રણ વર્ષ અગાઉ મળી હતી પરંતુ આ સબ સ્ટેશન બનાવવા માટે જમીનના મળતા તેનું કામ શરૂ થયું ન હતું પરંતુ હવે વીજ અધિકારીઓ અને ખેડૂતોએ ચર્ચા કરી આ વિવાદનો અંત આવ્યો છે અને હાલમાં મહાદેવીયા ગામમાં નવા સબ સ્ટેશન નું કામ શરૂ થઈ ગયું છે જ્યારે રાણપુર ગામમાં પણ ટૂંક સમયમાં કામ શરૂ થશે અને બાકીના અન્ય બે ગામોમાં પણ આગામી સમયમાં જમીનની ફાળવણી થતા ની સાથે જ કામ શરૂ કરાશે