ડીસા તાલુકાના ટેટોડા ગામે ખેડૂતના રહેણાંક મકાનમાંથી 8 તોલા સોના અને 4 કિલો ચાંદીના દાગીના સહિત લાખોના માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના ટેટોડા ગામે રહેતા પીરાભાઈ પટેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ તેમના ત્રણ સંતાનો સાથે અત્યારે ખેતર પર આવેલા મકાનમાં રહે છે. જેમનું એક મકાન ટેટોડા ગામમાં પણ આવેલું છે. તેઓ દરરોજ સવારે ખેતરેથી દૂધ ભરાવે માટે આવ્યા બાદ તેમના ગામમાં આવેલા મકાન પર જઈએ દિવા અગરબત્તી કરતા હતા.
તે દરમિયાન તેઓ બે દિવસ અગાઉ રાબેતા મુજબ ડેરીએ દૂધ ભરાવી તેમના ઘરે પહોંચતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં દેખાયો હતો. જેથી તેઓ તરત જ મકાનમાં જઈ તપાસ કરતા તેમના મકાનનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો અને અંદર લોખંડની તિજોરી પણ ખુલ્લી હાલતમાં દેખાઈ હતી તેમજ સામાન પણ વેરવિખેર પડ્યો હતો.
જેથી તેમણે તરત જ બાજુમાં રહેતા તેમના ભાઈને બોલાવી તપાસ કરતા તેમના મકાનમાંથી સોનાની ચેન, કાનની બુટ્ટી અને શેર, ચાંદીના કડલા સહિતના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તરત જ ડોગ સ્કોડની મદદથી તસ્કરોની શોધ હાથ ધરી હતી. જે મામલે પોલીસે સ્થળનું પંચનામું કરી અંદાજિત 8 તોલા સોના ચાંદીના દાગીના અને 4 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી જનાર અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.