ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બાળકો અને ખાસ કરીને યુવક યુવતીઓ અનેરા થનગનાટ સાથે પતંગના આકાશી યુધ્ધ માટે સજ્જ જોવા મળ્યા હતા. પર્વની વહેલી સવારથી જ અબાલ થી લઈ વૃદ્ધ સુધીના સૌ કોઈ પતંગ યોદ્ધાઓથી અગાસીઓ ઉભરાઈ હતી. 

પતંગના આ મહા પર્વે પવને પણ રંગ રાખ્યો હતો. દિવસ દરમ્યાન પવનની રફ્તારો માફકસરની રહેતા રસિકોએ જંગ - એ - પતંગનો આનંદ લૂંટયો હતો તો બીજી તરફ પતંગ ઉડાવતા ન આવડતું હોય તેવાઓએ પણ ફિરકી પકડવાની સાથે રંગ બે રંગી પતંગોના આકાશી યુદ્ધના દાર્શનિક નજારાને ભરપૂર માણ્યો હતો.પરંપરા અનુસાર નગરવાસીઓએ ઉંધીયું જલેબીની સાથે જ તલ સાંકળી, ચીકી તથા બોરની જયાફત માણી હતી. મળતી માહિતી મુજબ નગરવાસીઓ અંદાજિત પાંચેક લાખ રૂપિયાનું ઉંધીયું જલેબી ઝાપટી ગયા હતા.તહેવારની પૂર્વ સપ્તાહે સૂમસામ રહેલા પતંગ બજારમાં છેલ્લા બે દિવસ ઘરાકી દેખાતા વેપારીઓ મોજમાં જણાય હતા.ચાલુ વર્ષે પતંગ ઉત્સવના આ પર્વે કેટલીક પરંપરાઓ બદલાઈ હતી જેમાં આગાસીઓ પર વાગતી ડી જે સીસ્ટમોમાં ફિલ્મી ગીતોનું સ્થાન રામ ગાથાએ લીધું હતું અને પતંગ રસિકો રામ ધૂનના તાલે ઝુમતા ઉત્તરાયણનો પર્વ પણ રામમય બન્યો હતો.મોડી સાંજે પતંગ રસિકો આગાસીઓ પર જ ફટાકડા ફોડી પર્વને ઉત્સાહભેર વિદાય આપી હતી.

*કાલોલ નગરમાં પતંગ દોરાને લઈ બે કબૂતર ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે જેમાં એકનું સારવાર પૂર્વે મોત થતાં જીવદયા પ્રેમીઓ દ્વારા દફનવિધી કરવામાં આવી હતી જ્યારે તાલુકા પંથકના શામળદેવી ગામે બાળ મોર 11 કેવી વીજપ્રવાહ ના જીવંત વાયારને અડી જતા ગંભીર રીતે ઘવાયો હતો જેને પણ કાલોલ પશુ દવાખાને લાવી સારવાર આપવામાં આવી હતી.*