વારસો અને વિરાસતની થીમ પર શ્રી નવજીવન બી એડ કોલેજ ડીસા ખાતે અવનવી વાનગીઓનો રસાસ્વાદ કરવામાં આવ્યો હતો. જેમાં 110 તાલીમાર્થીઓ જુદી જુદી વિસરાતી જતી વાનગીઓ બનાવી ટેસ્ટ કરાવ્યો હતો.
દુનિયા જ્યારે જંકફૂડ તરફ વળી છે ત્યારે ઘરે બનાવેલી વાનગીઓ કેટલીક પૌષ્ટિક હોય છે તે અંગે તાલીમાર્થીઓ જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ વાનગી મહોત્સવ રાખવામાં આવ્યો હતો. લુપ્ત થતી વાનગીઓમાં ચોખાનું ખીચું, સરગવાનું શાક, સેવ દળ, ડર કોબટિયાનું શાક, ઘઉંના લોટના પુડલા, ઢોકળી, જાવરૂ અને મદારીયુંનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખણાય છે તે બનાવવામાં આવી હતી. પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતીથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થયા હતા.
આ અંગે આચાર્ય ડૉ. સોનલબેન પ્રજાપતિ, વિદ્યાર્થીની કોમલ રાણા અને વિદ્યાર્થી વિજય જોષીએ જણાવ્યું હતું કે, સામાજિક સમરસતાનો વિકાસ થાય તેમજ સામૂહિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી કોલેજ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા સ્વાદની અનેક વાનગીઓ બનાવવામાં આવી હતી.
ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલી વાનગીઓ અને પરંપરાગત વાનગીઓથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થાય તે આ વાનગી સ્પર્ધાનો હેતુ રહ્યો હતો. જેમાં 150 થી વધુ વાનગીઓનો આસ્વાદ તાલીમાર્થીઓએ માણ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ અધ્યાપક ડૉ. અમિતકુમાર સોલંકી, જયેશભાઈ ઠક્કર, ડૉ.નિરવભાઈ પરમાર, રમેશભાઈ પટેલ, આશાબેન ચૌધરી લાઇબ્રેરીયન મહેશભાઈ ચૌધરી, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.