ડીસા તાલુકાના સૂંથીયા ગામે મૃતકના નામની ખોટી પાવર ઓફ એટર્ની કરી ફુવારાની સબસીડી મેળવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ફરિયાદ કરતા શહેર ઉત્તર પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના સૂંથીયા ગામે રહેતા સનુભાઈ કોળી ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના કાકાના દીકરા સ્વ. નારણજી ભુપતજી વાઘેલાની જમીન સૂંથીયા ગામે આવેલી હતી. તેઓ અપરણિત અને નિઃસતાન હોવાથી સનુભાઈ અને તેમના અન્ય ત્રણ ભાઈ-બહેનો વારસદાર છે. તે દરમિયાન સ્વ. નારણજી વાઘેલા મૃત્યુ પામ્યા હોવાથી તેમના પાડોશી જીતુજી મફાજી વાઘેલા સહિત અન્ય શખ્સોએ મૃતક નારણજીના નામની ખોટી પાવર ઓફ એટર્ની કરાવી દીધી હતી.
આ ટોળકીએ સનુભાઇ સહિત તેમના ભાઈ, બહેનના ખોટા સંમતિ પત્રક પણ બનાવી જીતુજીએ જી.જી. આર.સી. કંપનીમાંથી સબસિડીવાળા ફુવારા પણ મેળવી લીધા હતા. જે અંગે સનુભાઈને ખબર પડતા તેઓએ ડીસા ઉત્તર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી. જણાવ્યું હતું કે, મરણ જનારના નામે ખોટા પુરાવા ઉભા કરી સરકારની યોજનાનો નાણાકીય લાભ લઈ સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જીતુજી મફાજી વાઘેલા, મફાભાઈ વિહાભાઈ કોળી, તેમજ રાજેશ સુંદેશા જેઓ સાક્ષી તરીકે રહેલા છે તેઓ તેમજ તપાસમાં નીકળે તે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.