ડીસા તાલુકાના જૂનાડીસા ગામ પાસે રાત્રે બેફામ ડમ્પર ચાલકોથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને કાર ચાલકે બીપર મારવા છતાં પણ ડમ્પર ધીમો ન ચલાવતા રોષે ભરાયેલા લોકોએ તમામ ડબ્બરો રોકાવી ભારે હંગામો મચાવ્યો હતો.
ડીસા તાલુકાના જૂનાડીસા પાસે નદીમાં રેતીની અનેક લીજ આવેલી છે અને ત્યાંથી રોજબરોજ અનેક વાહનો રેતી ભરીને નીકળે છે, પરંતુ કેટલાક ડમ્પરચાલકો બેફામ ગાડી ચલાવતા હોવાના કારણે આ માર્ગ પરથી નીકળતા અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તે દરમિયાન ગત રાત્રે પણ એક કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે કારચાલકે ડીપર મારી હોવા છતાં પણ સામેથી આવી રહેલા ડમ્પરચાલકે ગાડી ધીમી પાડી ન હતી.
જેથી રોજબરોજની આ સમસ્યાથી કંટાળેલા કારચાલકે ગ્રામજનોને બોલાવ્યા હતા અને કંટાળેલા ગ્રામજનોએ તમામ ડમ્પરોને રોકાવી ભારે હંગામા બચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તરત જ બનાવસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવ્યા હતા. જ્યારે ડમ્પરચાલકોને પણ વાહનો ધીમે ચલાવવા માટેની સૂચના આપી મામલો થાળે પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સદરપૂરથી વાસણા, જુનાડીસા સુધી સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે અનેકવાર ડમ્પર અને અન્ય વાહનો સામ સામે આવી જતા ચાલકો વચ્ચે બોલાચાલી થતી રહે છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા રોજબરોજની આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયાસો કરવા જોઈએ તેવુ ગ્રામજનોનું માનવુ છે.