ડીસામાં ગત રાત્રે દિપક હોટલ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટીવા અને બાઈક સામસામે ટકરાતા બંને ચાલકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસામાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોનો સીલસીલો જારી છે. જેમાં ગત રાત્રે વધુ એક અકસ્માત સર્જાતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ડીસામાં રહેતા નરેશભાઈ શાહ તેમનું એક્ટીવા લઈને દીપક હોટલથી માર્કેટયાર્ડ તરફ જઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલ બાઈક અને એક્ટીવા સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ટુ વ્હીલરના ચાલકો ધડાકાભેર રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ 108 એમ્બ્યુલન્સ વાન પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.