ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. જો મતદાન કરવાનું થાય તો 3 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. તેમજ 5 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થતા જ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ સહકારી માળખામાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં અગ્રગન્ય ગણાતી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી રહી છે. અગાઉ આ સંઘમાં ઉચાપત થતા રાજ્યના સહકાર વિભાગ દ્વારા મંડળીના વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી વહીવટદાર સમિતિની નિમણૂક કરાઈ હતી. જોકે, વહીવટદાર સમિતિના કાર્યકાળ દરમિયાન પણ જમીન વેચાણ મુદ્દે ઉગ્ર ઉહાપોહ થતા સરકાર દ્વારા જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓને વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા હતા.
જે દરમિયાન સંઘની નવી મતદાર યાદીઓ બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવી હતી .જ્યારે હવે ફરીથી વ્યવસ્થાપક મંડળની રચના કરવા ચૂંટણી યોજવા માટે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ડીસા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જો તાલુકા સંઘની ચૂંટણી યોજવાની થાય તો 3 ફેબ્રુઆરીએ ડીસા મામલતદાર કચેરી ખાતે મતદાન યોજાશે. તેમજ 5 ફેબ્રુઆરીના રોજ ડીસા મામલતદાર કચેરી ખાતે મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.
• ઉમેદવારી પત્રો મેળવવાની છેલ્લી તારીખ :18 જાન્યુઆરી,
• ઉમેદવારી પત્રો ભરવાની તારીખ: 11થી 18 જાન્યુઆરી,
• ઉમેદવારી પત્રો પ્રસિદ્ધ કરવાની તારીખ: 18 જાન્યુઆરી,
• ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તારીખ: 20 જાન્યુઆરી,
• ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ: 25 જાન્યુઆરી,
• હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ: 25 જાન્યુઆરી,
• મતદાન કરવાનું થાય તો મતદાનની તારીખ: 3 ફેબ્રુઆરી,
• મતગણતરીની તારીખ: 5 ફેબ્રુઆરી