ડીસા તાલુકાના વાસણા ગામ પાસે ઈકો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર માતા પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસામાં રહેતા નયનાબેન રાવળ અને તેમનો પુત્ર રોહિતભાઈ રાવળ પોતાનું બાઈક લઈને આધાર કાર્ડમાં અંગૂઠોની ફીંગર પ્રિંન્ટ આપવા માટે ડીસાથી ભદ્રામલી ગામે જઈ રહ્યા હતા. જુનાડીસા નજીક વાસણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવી રહેલી ઇકો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઇકો ગાડી ફંગોળાઈને રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ખાબકી હતી. જ્યારે બાઈક સવાર માતા પુત્ર રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા. આ બનાવ અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.