ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હોવાની ઘટના સામે આવી છે. ગ્રામજનોની રજૂઆતને પગલે સરપંચ તરીકેની ફરજો બજાવવામાં ગેરવર્તણૂક અને સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું સાબિત થતાં તેમને સસ્પેન્ડ કર્યા છે.
ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે. ગત ડિસેમ્બર મહિનામાં સરપંચે મોટાપાયે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ સરપંચે પોતાના દબાણો દૂર કર્યા ન હતા. જેને લઈ ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપતા સરપંચ પોતે દબાણદાર હોવાનું સામે આવ્યું હતું.
સરપંચ ભીલડીયા ગણપતભાઈ વસ્તાજીએ સરકારી મિલકત પર દબાણ કર્યું હોવાનું સાબિત થયુ હતુ. તો અન્ય એક સરકારી મિલકત પર સરપંચે ખોટી અકારણી બનાવી હતી. જે અકારણી બાદ સરપંચે સરકારી મિલકતની ખરીદ વેચાણ પણ કરી હતી. તો ગ્રામ પંચાયતની અન્ય મિલકત પણ સરપંચે બારોબાર વેચી મારી હોવાનું ડીસા તાલુકા પંચાયતની તપાસમાં સામે આવ્યુ હતું.
ડીસા તાલુકા વિકાસ અધિકારીએ સોંપેલા અહેવાલ અને ગ્રામજનોને સાંભળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ રામપુરા ગામના સરપંચ ગણપતભાઈ વસ્તાજીને ગુજરાત પંચાયત ધારાની કલમ 51-1 હેઠળ તાત્કાલિક પદથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.