ડીસાના રાણપુર અને ભડથ બંને રોડ પર બનાસ નદીમાં આવેલી લિઝોમાં આવતા જતા રેતી ભરેલા વાહનો પર અવરજવર કરવા પર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવાયો છે. અકસ્માત અને ઉપદ્રવ થતો હોવાની ફરિયાદ મળતા ધારાસભ્ય અને નાયબ કલેક્ટરની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.

ડીસાની બનાસ નદીના પટમાંથી રેતી ભરીને નીકળતા ડમ્પરો રાણપુર અને ભડથ રોડ પર નીકળે છે. ત્યારે આ ડમ્પરો અકસ્માત સર્જતા હોવાનું તેમજ ઉપદ્રવ કરતા હોવાની ફરિયદો ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી અને નાયબ કલેક્ટર નેહાબેન પંચાલને મળી હતી. જે ફરિયાદોના આધારે રજૂઆત કરતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે રાણપુર તેમજ ભડથ રોડ પર રેતી ભરેલા ડમ્પરોના અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જિલ્લા કલેક્ટરે જાહેરનામામાં રેતી ભરેલા વાહનોને વૈકલ્પિક માર્ગ તરીકે નદીમાં ભેખડે ભેખડે બનાસ નદીના પુલ પાસે આવી નેશનલ હાઇવે પર ચઢી જવા માટે વૈકલ્પિક માર્ગ સૂચવ્યો છે, પરંતુ આ રીતે સાવ કાચા વૈકલ્પિક માર્ગ પર રેતી ભરેલી ગાડીઓ ચાલવવી શક્ય નથી. તેમજ વાહનો પણ વારંવાર ફસાઈ જાય કે વાહનોની ચેચીસો પણ તૂટી જવાની પુરેપુરી શક્યતા હોય છે. જેથી આટલા લાંબા વૈકલ્પિક માર્ગ શક્ય નથી. લીઝ ધારકોની માંગ છે કે, જિલ્લા કલેકટરે સત્વરે આ જાહેરનામું પરત ખેંચી લેવું જોઈએ.