પાલનપુરમાં ભરચક માર્ગો પરથી ટુવ્હિલર વાહનો ટો કરવામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો હતી તેવામાં પાલનપુર એસીબીએ જેનું વાહન ટોઈંગ વાન દ્વારા ઉપાડી લેવામાં આવ્યું હતું તેનો સંપર્ક કરી સોમવારે ટોઈંગ ટીમના હેડ કોન્સ્ટેબલ અને કોન્ટ્રાક્ટરના કર્મચારીને 300ની લાંચ લેતા ઝડપી લીધા હતા.
પાલનપુર સીટી ટ્રાફિક શાખા દ્વારા શહેરના ભરચક વિસ્તારોમાંથી રોડ પર અડચણરૂપ રહેતા વાહનો ટોઈંગ કર્મીઓ દ્વારા ટ્રેક્ટરમાં ભરીને પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના વાડામાં મૂકી કોઈ વાહન ચાલક વાહન છોડાવવા જાય તો તેની પાસેથી કાયદેસરની કાર્યવાહી કર્યા વગર 1હજારથી 100 રૂપિયા સુધીના તોડ કરીને નાણા લેવાતા હતા. જેને લઇ પાલનપુર એસીબી દ્વારા સોમવારે પાલનપુરના ન્યૂ બસપોર્ટ આગળના ભાગે ટોઈંગ કરીને જઇ રહેલા ટ્રેક્ટરની કામગીરી પ્રત્યક્ષ નિહાળી જેમના ટુ વ્હીલર ટોઈંગ વાન દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા તેવા ટુ વ્હીલર ચાલકને વિશ્વાસમાં લઈ એસીબીના છટકામાં સહકાર આપવા મનાવી લેવાયો હતો.
જે બાદ પાલનપુર એસીબીની ટીમ જે વાહનને ઉપાડી પોલીસ હેડ ક્વાર્ટરના જે વાડામાં રાખવામાં આવેલા હતા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં વાહન ચાલકની સાથે એસીબીના પંચના હાજરીમાં ટોઈંગ કર્મીએ 1000ની પાવતી ન લેવી હોય તો ₹ 700 પાવતી વગર આપી દેવાની વાત કરી હતી. જેથી વાહન ચાલકે 300 રૂપિયા જ હોવાનું જણાવતા ટોઈંગ કર્મીએ સ્વીકારતા તુરંત એસીબીની ટીમના પીઆઈ એન.ડી. ચૌધરી સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ટોઇંગ કર્મી નારણ પરમાર અને પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપ સોલંકીને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડયા હતા. જોકે, એ વખતે પોલીસ કર્મીએ પોતાનો બચાવ રજૂ કરી એસીબી ટીમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો જોકે, ફરજ પરના અધિકારીએ તમામ બાબતોની ખરાઈ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુર શહેરમાં ડીસાની ખાનગી એજન્સીને વાહનો ટોઇંગ માટેનો કોન્ટ્રાક્ટ મળેલો છે. સૂત્રોએ જણાવ્યું કે, ડીસાના જયંતિ ડાભીએ ટોઈંગ માટેનો કોન્ટ્રાક્ટ મેળવીને મોટા ગામના અતુલ શેખલીયાને પેટા કોન્ટ્રાક્ટ તરીકે ચલાવવા આપ્યો હતો. અતુલ શેખલીયાએ પોતાના હાથ નીચે માણસો રાખી વાહનો ટોઈંગ કરાવતા હતા. શહેરમાં પાછલા કેટલાય મહિનાઓથી એકમાત્ર બસ આગળથી જ એસટી બસપોર્ટમાં ખરીદી કે કોઈ કામ અર્થે આવતા લોકો અને વાંચવા આવતા કોલેજીયન યુવકોના ટુ-વ્હીલર ઉપાડવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.