ચોટીલા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા થિયેટર નજીક રોડ ક્રોસ કરી રહેલી કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતાં. આ મામલે ઇજાગ્રસ્ત કાર ચાલકે ડમ્પરના ચાલક વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.થાનમાં રહેતા ધર્મેશભાઇ બેચરભાઇ કણઝરીયા તેમજ વસીમભાઇ મોહમ્મદભાઇ કલાડીયા, નીલેશભાઇ કલ્યાણજીભાઇ મકવાણા, સિધ્ધાર્થભાઇ અશોકભાઇ સાકરીયા તથા ક્રોમીકભાઇ કિશોરભાઇ પટેલ સહીતનાઓ ચોટીલા અમદાવાદ હાઇવે પર આવેલા થિયેટરમાં ફિલ્મ જોવા માટે જઇ રહ્યા હતા.તે દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતા એક ડમ્પરના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલક સહીત કુલ ૪ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ અંગે ઇજાગ્રસ્ત કારચાલક ધર્મેશભાઇએ ડમ્પરના ચાલક વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડમ્પરના ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.