દિયોદર તાલુકાના જાડા ગામમાં પાન પાર્લર ચલાવતાં યુવકને અજાણી યુવતીનો વિડિયો કોલ રિસિવ કરવો ભારે પડ્યો હતો. નગ્ન હાલતમાં રહેલી યુવતીએ 30 સેકન્ડ સુધી તેની સાથે વાત કરી યુવકના ચહેરાનું એડિટીંગ કરી તેનો પણ નગ્ન વિડિયો બનાવી દીધો હતો. જે પછી દિલ્હી ક્રાઇમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી અજાણ્યા શખ્સોએ જુદાજુદા 10 નંબરોથી બ્લેકમેઇલ કરી રૂપિયા 5.12 લાખ ઓનલાઇન ટ્રાન્ફર કરાવ્યા હતા. આ અંગે યુવકે પાલનપુર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.આ બનાવે ચકચાર જગાવી છે.

આ ચકચારી ઘટનાની વિગત મુજબ દિયોદર તાલુકાના જાડા ગામે પાન પાર્લર ચલાવતાં 30 વર્ષિય યુવક ઉપર તા. 11 જાન્યુઆરી 2023 ના રોજ રાત્રે 8.30 કલાકે મોબાઈલ ઉપર અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવ્યો હતો. જે રિસિવ કરતાં સામે તદ્દન નગ્ન હાલતમાં એક યુવતી દેખાઇ હતી. જેણે યુવકને કપડાં ઉતારવાનું કહ્યુ હતુ. જોકે, યુવકે કપડાં ઉતાર્યા ન હતા.

અંદાજે 30 સેકન્ડના વિડીયો પછી.13 જાન્યુઆરી 2023 ના રોજ ફરી વિડિયો કોલ આવ્યો હતો. જેમાં શખ્સે દિલ્હી ક્રાઈમ બ્રાંચથી રામ પાંડે તરીકેની ઓળખાણ આપી યુવકનો નગ્ન વિડિયો મોકલ્યો હતો. જેમાં નગ્ન યુવતી સાથે યુવકના ચહેરાનું એડીટીંગ કરી યુવકને પણ નગ્ન દર્શાવવામાં આવ્યો હતો.

જે વિડિયો વાયરલ કરવામાં આવશે તેમ કહી નાણાંની માંગણી કરવામાં આવી હતી. આથી ગભરાયેલા યુવકે પોતાના ખાતામાંથી પ્રથમ રૂ.10,000 મોકલી આપ્યા હતા. ત્યારબાદ દિલીપ શર્માના શખ્સે ક્રાઈમ બ્રાન્ચ દિલ્હીના અધિકારી તરીકેની ઓળખ આપી તમારું એરેસ્ટ વોરંટ નીકળેલ છે.

તને ઉપાડી જઈશું તેમ કહેતા યુવકને રૂ.2,45,500 ત્યારબાદ તા.13 જાન્યુઆરી 2023 થી 1 માર્ચ 2023 ના સમયગાળા દરમિયાન જુદા જુદા 10 નંબરો પરથી નાણાંની માગણી કરી કુલ અલગ અલગ સમયગાળા દરમિયાન રૂ. 5,12,949 ઓનલાઇ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે, તે પછી પણ વધુ નાણાંની માંગણી કરવમાં આવતાં યુવકે પાલનપુર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.