ડીસા માં 31 ડિસેમ્બર ને લઈ પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું..

આવતીકાલે 31 ડિસેમ્બર છે, જેને લઇ ડીસા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે, જોકે નવા વર્ષની ઉજવણી ના નામે કેટલાક લોકો દારૂ નું સેવન કરતા હોય છે, તો કેટલાક લોકો જે રાજ્યોમાં લીકરની છૂટ છે, ત્યાં પહોંચી જતા હોય છે, પરંતુ ડીસા શહેર માં કોઈપણ લોકો દારૂ પીને વાહન ના ચલાવે અને દારૂ નું સેવન ના કરે તેમજ દારૂનો જથ્થો શહેરમાં ન આવે તે માટે દક્ષિણ પોલીસ ની ટીમ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે..

ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાની સૂચના થી શહેર દક્ષિણ પીઆઇ ના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પોલીસ ની ટીમ દ્વારા શનિવાર અને રવિવારે સતત બે દિવસ 31 ડિસેમ્બર ને લઈ ખાસ વાહન ચેકિંગ અને પ્રોહિબિશન ની ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજે ડીસા શહેર ના રાજમંદિર સર્કલ, રેલવે સ્ટેશન ચાર રસ્તા, મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ચાર રસ્તા સહિત ના અન્ય મુખ્ય સર્કલ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું..

દક્ષિણ પોલીસ ની હદમાં આવતા અન્ય વિસ્તારો માં પણ ખાસ પેટ્રોલિંગ કરી દારૂ નું સેવન કરી વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી માટે પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરાયું છે, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ પ્રોહિબિશન ને લગતા અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે..