ડીસાના તેરમીનાળા વિસ્તારમાં ખુલ્લી ગટરના નાળામાં પડી જવાથી ગાયનું મોત નીપજ્યું હતું. બે દિવસથી નાળામાં પડેલી ગાયને હિંદુ યુવા સંગઠનના યુવકો દ્વારા ડીસા નગરપાલિકાના જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જોકે, આ વિસ્તારમાં અસહય ગંદકી અને રસ્તા વચ્ચે થાંભલા નાખેલા હોવાથી ઇમરજન્સી સમયે વાહનનો આવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

ડીસાના તેરમીનાળા લાલચાલી વિસ્તારમાં બે દિવસ અગાઉ ગટરના ખુલ્લા નાળામાં ગાય પડી ગઈ હતી. આ વિસ્તારના લોકોએ આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરી હતી પરંતુ કોઈ ન આવતા બે દિવસથી પડેલી ગાયનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની અને દીપકભાઈ કચ્છવાને થતા તેઓએ જીવદયા પ્રેમી યુવકોને તેમજ નગરપાલિકાનું જેસીબી બોલાવી ગાયને બહાર કાઢવાની મહેનત કરી હતી. આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ અહીં 30 ફૂટ પહોળો રસ્તો હોવા છતાં રસ્તા વચ્ચે થાંભલા નાખી દેવાતા ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ, જેસીબી મશીન, કે ફાયર ફાઈટર જેવા વાહનો આવી શકે તેમ નથી. તેમજ આ વિસ્તારમાં ખુલ્લી ગટરો હોવાથી અસહ્ય ગંદકી રહે છે જેથી ગટર ઉપર ઢાંકણા નાખવા જીવદયાપ્રેમીઓની માંગ છે.