ડીસા તાલુકાના માલગઢ ગામે આજે ખેતરમાંથી માટી લેવાની ના પાડતા જેઠ અને દિયર સહિત ચાર શખ્સોએ ભાભી અને ભત્રીજા પર હુમલો કરતા બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી ડીસા તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના માલગઢ જોધપુરીયા ઢાણી ખાતે રહેતા કિશોરભાઈ ચુનીલાલ પઢિયાર ખેતીવાડીનો વ્યવસાય કરે છે. તેઓ આજે તેમની માતા કમળાબેન સાથે ખેતરમાં રાઉન્ડ મારવા માટે નીકળ્યા હતા. તે સમયે તેમના કાકા સહિત સબંધીઓ તેમના ખેતરમાંથી માટી લઈ રહ્યા હતા જેથી તેઓએ માટી લેવાની ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

બાદમાં ઉશ્કેરાઈ ગયેલા તેમના કાકા અને મોટા બાપા સહિત ચાર શખ્સોએ તિક્ષણ હથીયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કમળાબેન અને તેમના પુત્રને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનારા ત્યાંથી નાસી ગયા હતા.

જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત કિશોરભાઈ પઢિયારે હુમલો કરનાર દયારામ ઉમેદાજી પઢિયાર, રમેશજી હરીજી પઢિયાર, હરીજી ચેનાજી પઢિયાર અને ભુદરાજી દયારામ પઢિયાર સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.