ડીસા પાસેથી ફરી ગેરકાયદેસર રેતી ભરી જતા ચાર ડમ્પર ઝડપાયા છે. ડીસા તાલુકા પોલીસે અંદાજીત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે અને નદીમાંથી રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રેતીની તસ્કરી કરી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મહાદેવીયા પાસેથી ચાર શંકાસ્પદ રેતી ભરેલા ડમ્પર પસાર થઈ રહ્યા હતા. પોલીસે ત્રણેય ડમ્પરોને થોભાવી પૂછપરછ કરતા રોયલ્ટી ભર્યા વગર અને તાડપત્રી નાખ્યા વગર આ ડમ્પર પસાર થતા હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી ડીસા તાલુકા પોલીસે ચારેય ડમ્પરોને જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા અને ચાર ડમ્પર સહિત અંદાજિત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.