સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેની તંદુરસ્તી બાબતે માતા-પિતા ખૂબ જ સજાગ હોય છે અને મોટાભાગના કેસોમાં બાળક પૂરતા વજન સાથે જન્મે તો તેની તંદુરસ્તી સારી હોય છે, પરંતુ ક્યારેક બાળક અધૂરા માસે જન્મે ત્યારે અવિકસિત હોય છે અને તેનું વજન ઓછું હોવાથી તેની તંદુરસ્તી જોખમાઈ શકે છે. ક્યારેક આ પ્રકારે અધૂરા માસે જન્મેલા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. તાજેતરમાં ડીસામાં માલગઢ ગામે રહેતા 21 વર્ષીય ગીતાબેન શામળભાઇ કરગરાને 8 માસે પ્રથમ ડીલીવરી થતા ફક્ત 640 ગ્રામ વજન સાથે અધૂરા માસે જન્મેલા બાળકીને 28 દિવસ સારવાર આપી નવજીવન બક્ષ્યું છે.

ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા માતા ગીતાબેને 32 અઠવાડિયાનો ગર્ભ ધરાવતા હતા અને આઠમા માસે સિઝેરિઅન ડિલિવરી કરાવી બાળકને લેવાની ફરજ પડી જેથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી તબીબે સિજેરિયન કરતા તેમને બાળકનો જન્મ થયો, પરંતુ આ બાળકનું વજન માત્ર 640 ગ્રામ હોવાથી તે ગંભીર પરિસ્થતિમાં જીવન મરણ વચ્ચે જજુમી રહ્યો હતો. જેથી બાળકને લઈ તેના પરિવારજનો ડો. અંકિત માળીની હોસ્પિટલે પહોંચ્યા. આ બાબતની ગંભીરતા સમજી ડો. અંકિત માળીની ટીમે કુદરતના આ પડકારને પહોંચી વળવા મહેનત શરૂ કરી હતી અને કાળજી રાખીને તેને સારવાર આપી હતી.

આ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા સી પેપ મશીન દ્વારા સારવાર અપાઇ તથા બોડી ટેમ્પરેચર મેઇન્ટન કરવા વોર્મર અને પ્લાસ્ટિક કવરમાં રાખી હતી અને પેરિફરલ ન્યુટ્રીશન આપી, તેમજ ઓછા વજનવાળા બાળકોમાં "કાંગારું મધર કેર " ખૂબ અસરકારક છે. જેથી રોજ 5 થી 7 કલાક સુધી બાળકને માતા દ્વારા કાંગારું મધર કેર કરવામાં આવી હતી. બાળકને જ્યારે દાખલ કરવામાં આવ્યું ત્યારે તેનું વજન માત્ર 640 ગ્રામ જેટલું હતું અને અત્યારે એક મહિનાની સારવાર બાદ હવે તેનું વજન 1.040 કિલોગ્રામ થયું છે અને બાળક અત્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું છે.

આ અંગે ડોક્ટર અંકિત માળીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને મહિલાઓમાં કુપોષણ, લોહીની ટકાવારી ઓછી હોય અથવા યોગ્ય સાચવણીના અભાવે અધૂરામાં માસે બાળકોનો જન્મ થતો હોય છે. આવા બાળકોના જન્મનું પ્રમાણ 10 લાખે માત્ર 10 થી 12 ટકા જેટલુ હોય છે. આવા બાળકોને બચાવવાનો રેસીયો પણ 20 થી 30 ટકા જેટલો જ હોય છે. ત્યારે અમે આ બાળકને સતત 30 દિવસ સુધી સઘન સારવાર આપી તેમજ પ્લાસ્ટિક કવરમાં રાખી સતત કાંગારું મધર કેર પર રાખ્યું હતું. આવા બાળકોની સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં રોજનો 5 હાજરથી વધુ થતું હોય છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવી સારવાર કરાવી શકતા નથી, પરંતુ સરકારની પીએમજેએવાય યોજના હેઠળ આ સારવાર સંપૂર્ણ ફ્રી કરવામાં આવી હોવાથી બાળકના પરિવારને આર્થિક રીતે ઘણી જ મોટી રાહત થઇ છે.

આ અંગે બાળકના પિતા શામળભાઇ જણાવ્યું હતું કે, મારા બાળકનો જન્મ થતા તેનું વજન માત્ર 600 ગ્રામ જેટલું હતું. આવી પરિસ્થિતિમાં તેને બચાવવા ખૂબ જ મુશ્કેલ જેવું લાગતું હતું, પરંતુ અમે તરત જ આ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને 30 દિવસની સારવાર બાદ અત્યારે બાળક સ્વસ્થ થઈ ગયું છે. આ સારવારમાં એક પણ રૂપિયાનો ખર્ચ પણ થયો નથી તમામ ખર્ચ સરકારની યોજનામાં થયો છે. જેથી સરકારનો અને ડોક્ટરની ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.