પોરબંદર રેડક્રોસે ટીબીના દર્દીઓને આહાર કીટ વિતરણ કરી
◆◆◆◆◆◆
પોરબંદરને ટીબી મુક્ત કરવા રેડક્રોસની પહેલ
◆◆◆◆◆◆
રેડક્રોસ દ્વારા ક્ષયના દર્દીઓને અક્ષય કીટ અર્પણ
પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા 13 જેટલી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, આ સેવા પ્રવૃત્તિઓના ભાગરૂપે પોરબંદર જિલ્લાના ટીબીના દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળે તે માટે તેઓને જરૂરી પૌષ્ટિક આહારની કીટ દર મહિને આપવામાં આવે છે.
ટીબીના દર્દીઓને ઝડપથી રોગમુક્ત કરવા દવાની સાથે પૌષ્ટિક આહારની પણ ખાસ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે હાલ મોંઘવારીના સમયમાં ગરીબ દર્દીઓ પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં ખરીદી શકતા ન હોય. આથી પોરબંદર જિલ્લાના કોઈપણ ટીબી પેસન્ટને પૌષ્ટિક આહારના કારણે દર્દથી પીડાવું ન પડે તે માટે પોરબંદર રેડક્રોસ દ્વારા દર મહિને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવે છે. તેના ભાગરૂપે ટીબી હોસ્પિટલ પોરબંદર ખાતે પૌષ્ટિક આહારની કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
◆ છ મહિનામાં દર્દીનું આઠ કિલો વજન વધ્યું:
ક્ષયના દર્દીઓને ટીબી હોસ્પિટલ દ્વારા દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેની સાથે સાથે પોરબંદર રેડક્રોસ દ્વારા આ તમામ દર્દીઓને દર મહિને જરૂરી પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવે છે જેમાં ઘઉં લોટ, ખીચડી, ગોળ, સિંગ તેલ, ચણા, ચણા દાળ, મગ, સીંગદાણા, દાળિયા, ખજૂર, કાળી દ્રાક્ષ, વળીયારી, ગાયનું ઘી, પ્રોટિન પાઉડર સહિતના ખાદ્ય પદાર્થો સાથે બનાવેલી પૌષ્ટિક આહાર કીટ દર્દીઓને આપવામાં આવે છે. નિયમિત આ પૌષ્ટિક આહાર લેવાથી છ મહિનામાં દર્દીનું આઠ કિલો જેટલું વજન વધ્યું હોવાનું પણ ટીબી હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
પૌષ્ટિક આહાર કીટ વિતરણ સમારોહમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા, ટીબી હોસ્પિટલના ડો. સીમાબેન પોપટીયા, પોરબંદર રેડક્રોસના સેક્રેટરી અને રાજ્ય મેનેજિંગ કમિટીના સભ્ય અકબરભાઈ સોરઠીયા, વાઈસ ચેરમેન શાંતિબેન ઓડેદરા, કન્વીનર વિમલભાઈ હિંડોચા, ધનંજયભાઈ ઓઝા, રાશન કિટના દાતા અબ્બાસભાઈ વગેરેએ ઉપસ્થિત રહી ટીબીના દર્દીઓને આહાર કીટનું વિતરણ કર્યું હતું.